Skip to main content

 


એપ્રિલફૂલ


“કહું છું, સાંભળો છો? આજે એપ્રિલની પહેલી તારીખ છે, જો જો કોઈ મૂરખ ના બનાવી જાય...!” ઓફિસે જતાં પહેલા શ્રીમતીજીએ તાકીદ કરી. જે આપણને મૂરખ સમજતું હોય એને માટે કોઈ બીજું આપણને મૂરખ બનાવી જાય તે ના પાલવે. સાંજ પડ્યે આખા ગામનું ફૂલેકું ફેરવીને ઘરે આવતા હોય એની ઘરવાળી માટે તો દુનિયાની સૌથી ‘ભોળી વ્યક્તિ એમના ‘ઈ જ હોય છે. ખેર, આમ છતાંયે શ્રીમતીજીની વાત વ્યાજબી હતી. મને તો આમેય લોકો એપ્રીલની પહેલી તારીખ સિવાય પણ વરસમાં અનેક વખત એપ્રિલફૂલ બનાવી જતા હોય છે.

            ઓફિસે પહોચી નિર્ધાર કર્યો કે આજ તો કોઈની વાતમાં ફસાવું નથી. બાજુમાં બેઠેલા મિ. મહેતાને કહ્યું , “મહેતા, ધ્યાન રાખજે . આજે કોઈ એપ્રિલફૂલ ના બનાવી જાય.”

            “શર્મા, બોસ તો તારું કહેતા’તા કે આજ તને બરાબરનો એપ્રિલફૂલ બનાવવાનો છે. તું કાલે ઓફિસેથી વહેલો નીકળી ગયો પછી બોસને કામ હતું એટલે અમને મોડે સુધી બેસાડ્યા હતા. તું આમેય ઘણા દિવસથી પ્રમોશનની રાહ જોઇને બેઠો છે તો બોસ કહે કાલે આપણે એને પ્રમોશનના હુકમનું બહાનું કરી બંધ કવરમાં એવું ‘એપ્રિલફૂલ” આપશું કે મિ. શર્મા બરાબરના પોપટ બની જશે. આ તો હજુ બોસ આવ્યા નથી ત્યાં સુધીમાં તને મિત્રભાવે કહી દઉં છું.” સિનીયોરીટી પ્રમાણે બેઠક ક્રમમાં વર્ષોથી મારા પછી અડીને તરત બેસતા મિ. મહેતાએ મને સાવધ કરી પાડોશી ધર્મ બજાવ્યો.

થોડી વાર થઈ  ત્યાં બોસ આવી પહોચ્યા. ડેપ્યુટી બોસની ચેમ્બરમાં ફાઈલ મુકવા ગયેલો પટાવાળો બોસની ચેમ્બરની બેલ રણકતાં જ અંદર ગયો ને જેવો ગયો એવો જ મારા નામનો પોકાર લઇ બહાર નીકળ્યો. બોસનું પેપર ફૂટી ગયું હતું. કંઈ જ જાણતો નથી એવા ભાવ સાથે  હું તરત જ બોસની સામે ઉપસ્થિત થયો. “જો મિ. શર્મા, આ તારો બઢતી હુકમ છે, સાંજ સુધીમાં હુકમ સાથે બીડેલ સમંતિપત્રમાં સહી કરી પરત આપી દેજે ને કાલથી તારો ચાર્જ સંભાળી લેજે” બોસે હસતાં હસતાં હાથમાં કવર પકડાવ્યું.

પણ બે બે જણા સાવધ કરે પછી ય પોપટ થોડું બનાય? કવરને ઇશારાથી મિ.મહેતાને બતાવી સીધું સરકાવ્યું ટેબલના ખાનામાં. મહેતાના થમ્સઅપને ઝીલીને આપણે મંડ્યા આપણું કામ કરવા. વરસોથી એક જ ટેબલ પર બેસી એકધારા એક જ પ્રકારના કામથી હવે તો કંટાળો પણ બહુ જ આવતો હતો. પ્રમોશન મળે તો આમાંથી કૈંક છુટકારો થાય પણ બોસ ઓર્ડર આપે છે તોય એપ્રિલફૂલ બનાવવા!..થોડીક ખીજ ચડાવી મનને પાછું કામમાં વાર્યું. સાંજ પડ્યે શ્રીમતીજીએ ગઈકાલે સોંપેલ શોપિંગ લીસ્ટ યાદ આવ્યું ને ફાઈલો નો ઢગલો પોટલામાં બાંધી ફટાફટ બજારમાં નીકળ્યો. શોપિંગ માટે આમ તો સોની બજારનું પ્રોમિસ પણ મેળવી લેવામાં આવ્યું હતું પણ એના માટે પ્રમોશન મળે એટલી મુદ્દત મેળવવામાં સફળ થયો હતો.

એપ્રિલફૂલનો દિવસ વીતી ગયો હતો. બીજે દિવસે રૂટીન પ્રમાણે ઓફીસ પહોચી પહેલું કામ પેલું ગઈકાલનું કવર ખોલવાનું કર્યું. અંદર એક કાગળ હતો જેમાં મારા પ્રમોશનનો આદેશ હતો. આદેશમાં નીચે બોલ્ડ અક્ષરે લખેલી નોંધ હતી, “ આ હુકમના સ્વીકાર બદલ આજે સાંજ સુધીમાં સાથે આપેલ  સમંતિપત્રમાં સહી કરી પરત કરવાનું રહેશે અન્યથા આપ આ બઢતી સ્વીકારવા તૈયાર નથી એવું સમજી આપના પછીના ક્રમે આવતા કર્મચારીનો હુકમ કરવામાં આવશે.”

            મારી આંખે અંધારા આવી ગયા. મેં બાજુમાં બેઠેલ મી.મહેતાની ગળચી પકડવા હાથ લંબાવ્યો પણ ખુરશી ખાલી હતી. જે ચેમ્બરમાં બેસવાનું વરસોથી સપનું જોતો હતો એ ચેમ્બર તરફ નિરાશાભરી નજર નાખી. ડેપ્યુટી બોસની ખુરશી ઉપર એક ઓળો ઝૂલતો હતો....મી.મહેતાનો....!!!

-     ----- ગાંગાભાઇ સરમા (પોરબંદર)

  

Comments

  1. Wow, Amazing. Very funny and Intresting Story! It perfectly suits the theme of April Fool.👌

    ReplyDelete
  2. એપ્રિલ ફૂલ... મહેતા કુલ...શર્માના દાંડિયા ડૂલ... હા..હા...હા.

    ReplyDelete
  3. Nice and funny story sarmaji...👌

    ReplyDelete
  4. વાહ સરસ વાર્તા છે.

    ReplyDelete
  5. Very nice story, khubh saras bhai, avi Saras Saras story lakhta raho, Eva blessings🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મારી લદાખ યાત્રા...

આમ તો ગોવા મારી ‘કલ્પના’નું ડ્રીમ ડેસ્ટીનેશન છે પરંતુ મિત્રો પાસેથી હિમાલયની વાતોથી ભ્રમિત થઇ ગયેલું મન ઘણા સમયથી લદાખ જવા સળવળતું   હતું. ઘરનો કબાટ ફેંદી ભારત દર્શન ચોપડી કાઢી લદાખના નકશાને મનઃસ્થ કર્યો. પોરબંદરથી દિલ્હી થઇ વાયા મનાલી થી લેહ.. આ થયો યાત્રાનો રૂટ. આમ તો આટલી લાંબી યાત્રા ટ્રેન વગર સંભવે નહિ. કામ વગરની એક સાંજે લેપટોપ લઇ બેસી ગયો. પોરબંદરથી દિલ્હીની રેલ અઠવાડિયામાં બે વખત ઉપડે છે. એમાં ૨૦મી ઓગસ્ટના  મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં ૩ AC નું કન્ફર્મ બુકિંગ મળતું હતું તો આઈઆરટીસીની વેબ સાઈટ ઉપર જઈ ટીકીટ કન્ફર્મ કરી લીધી. ટ્રેન બુકિંગ તો પતી ગયું પણ હવે જ સાચી ભાંગજડ હતી. હવે પછીની યાત્રા દિલ્હીથી મનાલી થઇ લેહ તરફ પ્રયાણ કરવાની હતી. દિલ્હીથી પછી આ રૂટમાં આગળ જવા રેલ સુવિધા નથી. એટલે દિલ્હીથી હિમાચલ ટુરીઝમની બસમાં મનાલી અને ત્યાં બે દિવસ રોકાઈ પછી બાઈક દ્વારા લેહ લદાખ જવાનું નિયત કર્યું. મનાલીથી લેહ જવા માટે સેલ્ફ ડ્રાઈવ કાર કે બાઈક બંને ભાડેથી પણ મળી રહે છે, પરંતુ મારી જેમ મોટાભાગના ઘુમક્કડો માટે આવા પ્રવાસોમાં બાઈક હમેંશા પ્રથમ પસંદગીનું ઓપ્શન હોય છે.             કોરોનાને લઇ યાત

બરડાની ગોદમાં...૧

  ગાંધી જયંતીના દિવસે દેશભરમાં આમેય ગાંધી સ્મૃતિનું   ઉફાન આવતું હોય છે. પણ એક સારું કામ એ દિવસે આવતી જાહેર રજાનું હોય છે. રજાના દિવસે આમ તો ઉઠવાની કોઈ ઉતાવળ નથી હોતી. ગાંધીજીએ દેશ માટે વસ્ત્રોનો ત્યાગ કર્યો પણ મારા માટે આવો રજાનો દિવસ હોય ત્યારે વહેલી વહેલી પથારીનો ત્યાગ કરવો પણ અઘરો હોય છે. જેમ બાઉન્સર બોલ રમવા ના માંગતો બેટ્સમેન નીચે નમી જઈ સિફતપૂર્વક બોલને પાછળ છટકાવી દેતો હોય તેમ બે ત્રણ ઉઠવાના પોકારને મેં પણ ચાદરમાં માથું ઘુસાડી નિષ્ફળ બનાવવાના પ્રયાસો કર્યા. પણ ગઈકાલે સાંજે ઘરમાં બધાએ રજાનો આ દિવસ બરડા ડુંગરમાં ટ્રેકિંગમાં વિતાવવાનો નિર્ણય કરેલ અને મેં એમાં સમંતિ આપેલી એ વાત યાદ આવતાં સફાળો બેઠો થઇ ગયો. ક્યાંય બહાર જવાનું હોય ત્યારે સાંજના સુતાં પહેલા સુધીના અને ઉઠતી વખતના મારા વિચારો વચ્ચેનો તફાવત શહીદો અને આતંકવાદીઓ જેટલો હોય છે.સાંજના પડાઈ ગયેલ “હા” પર પછતાવો થયો. પણ હવે કોઈ છૂટકો નહોતો. બ્રશ કરતા કરતા શ્રીમતી ને ચા નો ઓર્ડર આપી દીધો. “હવે કઈ રીતે પ્લાનિંગ કરીશું” એવા એના સવાલના જવાબમાં હું અનુતર રહ્યો કારણ કે મને સવારે ઉઠીને ચા પી લઉં પછી જ બધા વિચાર આવે ત્યાં સુધી માત્ર ચા