Skip to main content

બરડાની ગોદમાં...૧

 


ગાંધી જયંતીના દિવસે દેશભરમાં આમેય ગાંધી સ્મૃતિનું  ઉફાન આવતું હોય છે. પણ એક સારું કામ એ દિવસે આવતી જાહેર રજાનું હોય છે. રજાના દિવસે આમ તો ઉઠવાની કોઈ ઉતાવળ નથી હોતી. ગાંધીજીએ દેશ માટે વસ્ત્રોનો ત્યાગ કર્યો પણ મારા માટે આવો રજાનો દિવસ હોય ત્યારે વહેલી વહેલી પથારીનો ત્યાગ કરવો પણ અઘરો હોય છે. જેમ બાઉન્સર બોલ રમવા ના માંગતો બેટ્સમેન નીચે નમી જઈ સિફતપૂર્વક બોલને પાછળ છટકાવી દેતો હોય તેમ બે ત્રણ ઉઠવાના પોકારને મેં પણ ચાદરમાં માથું ઘુસાડી નિષ્ફળ બનાવવાના પ્રયાસો કર્યા. પણ ગઈકાલે સાંજે ઘરમાં બધાએ રજાનો આ દિવસ બરડા ડુંગરમાં ટ્રેકિંગમાં વિતાવવાનો નિર્ણય કરેલ અને મેં એમાં સમંતિ આપેલી એ વાત યાદ આવતાં સફાળો બેઠો થઇ ગયો. ક્યાંય બહાર જવાનું હોય ત્યારે સાંજના સુતાં પહેલા સુધીના અને ઉઠતી વખતના મારા વિચારો વચ્ચેનો તફાવત શહીદો અને આતંકવાદીઓ જેટલો હોય છે.સાંજના પડાઈ ગયેલ “હા” પર પછતાવો થયો. પણ હવે કોઈ છૂટકો નહોતો. બ્રશ કરતા કરતા શ્રીમતી ને ચા નો ઓર્ડર આપી દીધો. “હવે કઈ રીતે પ્લાનિંગ કરીશું” એવા એના સવાલના જવાબમાં હું અનુતર રહ્યો કારણ કે મને સવારે ઉઠીને ચા પી લઉં પછી જ બધા વિચાર આવે ત્યાં સુધી માત્ર ચા પીવાના જ વિચાર આવે. ચા પીધા પછી સ્ફૂરણા થઇ કે બહેન-ભાણેજ-ભાભી-ભત્રીજીને પણ સાથે લઇ જવાના છે તો બધાને ફોન જોડી ૧૦ વાગ્યા સુધીમાં તૈયાર રહેવા તાકીદ કરી. બનેવી આમ તો બીઝી હોય પણ ડુંગરાઓનો શોખ વ્યવસાયથી પણ વધારે વળગ્યો હોવાથી આજે દુકાન બંધ રાખીને પણ અમારી સાથે આવવા માટે તૈયાર થઈ ગયા. બહાર ફરવા જવાનું હોય ત્યારે બૈરાઓ માટે ફરવાના સ્થળ કરતા પણ વધારે મહત્વની બાબત સાથે જમવાનું શું શું લઇ જવું એ હોય છે. અને એ બાબતમાં બૈરાઓનું કો-ઓર્ડીનેશન એટલું જબરદસ્ત હોય છે કે ના પૂછો વાત. શાક-રોટલી-સંભારો-નાસ્તો આ બધીય આઈટમો એકબીજામાં વહેચાય જાય. સવારે જતી વખતે આ બધાને કારણે થતી વારને લઈને મગજનો પારો ક્યારેક ઉનાળાનું સ્વરૂપ પકડી લે પણ બપોરે કકડીને ભૂખ લાગે અને ઝાડનો છાંયડો ગોતી નીચે જમવા બેસીએ ત્યારે એમના પુરુષાર્થની કીમત સમજાય છે. જેમ તેમ કરી રથ તૈયાર થયો પણ જણા સાત હતા ને ગાડીની સમાવી શકવાની ક્ષમતા વધુમાં વધુ પાંચની જ હતી એટલે બનેવી સાહેબે એમની મોટર સાયકલ લઇ લેવાનું મુનાસીબ માન્યું. આખરે બરાબર દશના ટકોરે રાજકોટ હાઈવે ઉપર રાણાવાવ તરફ મારી મુક્યું. પોરબંદરથી આઠ કિમી આગળ ટોલનાકા પર અમારી આગળ એક લક્ઝરી ગાડીનો માલિક હાથમાં કાર્ડ લઇ પાંસઠ રૂપિયા બચાવવા દશ મિનિટથી રકઝક કરી રહ્યો હતો. દલીલબાજી ચાલતી હતી, આખરે ૫૦૦૦ની પગારદાર મહિલા કર્મચારીની સામે ૨૦ લાખની ગાડીનો માલિક પરાજીત થતા પૈસા ચૂકવી રવાના થયો અને અમને આગળ વધવાનો મોકો મળ્યો. આ ઉધેડબુનમાં બનેવી બાઈક લઇ અમારાથી આગળ વધી ગયા.

આજની અમારી યાત્રાનો મુકામ અર્થાત ટ્રેકિંગ રૂટ બરડા ડુંગરમાળાની આરંભે રાણાવાવ પાસે આવેલ એક નાનકડો પર્વત હતો જેની ટોચ ઉપર ભતવારી માતાજીનું મંદિર આવેલ છે. ટ્રેકિંગ એટલે એવું નથી કે તમે કુલુ, મનાલી કે સિમલામાં જ કરી શકો. બરડો ડુંગર પણ ટ્રેકિંગ માટેનું આદર્શ સ્થળ છે. હા, ટ્રેકિંગ માટે અનુકુળ સમય, ઋતુ અને યાત્રાને માણવાની તમારી 'કલ્પના' હોવી જોઈએ. ભતવારી જવા માટે પોરબંદરથી રાણાવાવ થઇ ડાબી બાજુ આદિત્યાણા રોડ ઉપર હાથી સિમેન્ટ ફેક્ટરી આવેલી છે, તેની પાછળથી રસ્તો જાય છે. રસ્તા ઉપર ફેક્ટરી સુધી જંગી ટ્રકોનો જમાવડો જોવા મળે છે. ફેક્ટરી આવે એ પહેલા રેલ્વેનું ફાટક આવે છે. આ ફાટકથી જમણી બાજુ એક ડામર અને સિમેન્ટજડિત રોડ વિખ્યાત જામ્બુવંતના ભોયરા સુધી જાય છે. આ રસ્તો પ્રવાસન નિગમની ગ્રાન્ટમાંથી બનેલો છે. રસ્તો ખુબ પહોળો અને છેક ભોયરા સુધી વચ્ચે વિભાજક દીવાલ વાળો છે પણ હાલમાં ખુબ જર્જરિત થઈ ગયેલો છે. ભતવારી માતાજી મંદિર  જવા માટે ભોંયરાથી પહેલા જ એક રસ્તો ફૂટે છે પણ ક્યાંથી એની અમને જાણ ના હોવાથી ફેક્ટરીની પાછળ આવેલ એક દુકાને ઉતરી રસ્તો પૂછ્યો. જેને પૂછ્યું એનાથી પહેલા બાજુમાં ઉભેલી ટ્રકમાં દોરડા ખેંચતા એક ભાઈએ જ્યાં ઉભા હતા ત્યાંથી છેક સુધીનો રસ્તાનો નકશો મગજમાં બેસાડી દીધો. પછી તો ગાડી સીધી તળેટીમાં જ રોકાઈ. બનેવી સાહેબે ઝાડનો સારો એવો છાયડો ગોતી એની મોટર સાયકલને તડકા સામે સેઈફ કરી લીધી. મારી ગાડીને અડધી છાયડે ને અડધી તડકે રાખવાનો વારો આવ્યો. તળેટીમાં એક છાપરા નીચે પાણીના ઘણા બધા કેન ભરેલા હતા. આટલા બધા કેન જોઈ નવાઈ લાગી. એ સમયે નીચે ઉતરતા બે ભાઈઓએ અમારી અસમંજસને જાણી ઉપર પાણીની અછત હોવાથી દર્શનાર્થીઓ પાણીના આ કેન ઉપર જગ્યા  માટે લઇ જાય એવી વ્યવસ્થા હોવાનું જણાવ્યું.

“ક્યાંથી આવો છો ભાઈ?”, સ્વભાવવશ મારાથી પુછાઈ ગયું.

“ફરંગટાથી” બેમાંથી એક જુવાન લાગતા જણે જવાબ આપ્યો.

ફરંગટા એટલે જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં આવેલું ગામ. પોરબંદરથી આમ જોવા જઈએ તો ખાસ્સા એવા અંતરે આવેલું આ ગામ બહુધા કોળી લોકોની વસ્તી ધરાવતું ગામ છે.. બરડા અને ઘેડ વિસ્તાર વચ્ચે લોકજીવન, સંસ્કૃતિ, સમાજ અને આર્થિક દરેક મોરચે લગભગ ભારે વિસંગતતા. પણ આ બેય વચ્ચે જો કોઈ બાબત સામાન્ય હોય તો એ છે બેય પ્રદેશોમાં વસેલી મેર જ્ઞાતિની આબાદી. પણ આ લોકો તો કોળી હતા. આટલે દુરથી અહિયાં અમારી જેમ ફરવા હરવા તો ન જ આવે. પણ વાતચીતમાં એવું જાણવા મળ્યું કે એ લોકોના કુળદેવી ભતવારી માતાજી છે અને એટલે એ લોકો વરસમાં એક વખત તો આ સ્થળે માતાજીના દર્શન માટે અવશ્ય પધારે છે. વાતચીત નો દોર આટોપી હવે અમે ચઢાઈ શરુ કરી. શરૂઆતના શુરાપુરા બંદુકની ગોળી માફક આગળ નીકળી ચુક્યા હતા. આગળ જઈને હવે મંદિર બહુ દુર નથી, આ દેખાય  એવી ઢાઢસ અમારે એમને બંધાવવાની હતી. અમે અમારા પર્વતયાત્રાઓના અનુભવોને કામે લગાડી પગની ગતિને એસટીની બસોને જેમ મર્યાદામાં બાંધી દીધી હતી.

ચઢાણ એટલું પણ કઈ વધારે નહોતું પણ અમે સમય ખોટો પસંદ કર્યો હતો. પોરબંદરથી નીકળ્યા ત્યારે જ દશ થઈ ગયા હતા અને વચ્ચે ખોટી થતાં થતાં પહોચ્યા તો અત્યારે ૧૧ વાગવાનો સમય હતો. તડકો એની તીવ્રતાને પામવા આવ્યો હતો ને અમે એની અસરને અવગણી પર્વત પામવા નીકળ્યા હતા. રસ્તાની કેડીમાં આડા અવળા વેરાયેલા પથ્થરો ચઢાઈને ઓર કઠીન બનાવતી હતી. આવા સમયે ટ્રેકિંગ પોલ તરીકે લાકડીની ગેરહાજરી અમને સમજાઈ. કેડી ‘અડબાઉ’ હતી પણ સાવ કઠીન તો નહોતી જ છતાયે આજે મન ના હોવા છતાયે મને કમને અમને સાથ આપવા આવેલી ભત્રીજી મિશ્વા એ તો અડધે પહોચી યાત્રામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. નેતાને મનાવીએ એવી મથામણ પછી એ તૈયાર થઇ ત્યાં થોડેક આગળ જઈને બેન હિમત હારી ગયા. પણ બનેવી સાહેબ આગળ જઈ આવ્યા અને કહ્યુ કે હવે મંદિર બહુ નજીક છે. હવે એટલી ઉપર મંજિલ પાસે પહોચીને આમ હાર ના મનાય. મારી ભત્રીજી એ પૂછ્યું, “લોકો પગ થાકી જાય એવી આ જગ્યાએ મંદિર આટલી ઉંચાઈ પર શું કામ બનાવતા હશે?”. “એક કહેવત છે કે મહેનતનું ફળ મીઠું હોય છે, પ્રાકૃતિક સોંદર્ય શું છે એ જાણવું હોય તો આટલો પુરુષાર્થ તો કરવો જ પડે” રાજ ડુંગરની કેડી પર પડેલા બે મોટા પથ્થરોને કુદતાં બોલ્યો. બંને ટાબરિયાં પુરા જોશથી અમને બધાયને ક્રોસ કરી આગળ ધપી જતા હતા પણ રસ્તામાં આમથી તેમ ઉડતા કલર કલર ના પતંગિયા ને ડ્રેગનફ્લાયને જોવામાં અને ચોમેર પથરાયેલ ફૂલોને ચૂંટવામાં, તેનું વૈજ્ઞાનિક પૃથકરણ કરવામાં એવા તલ્લીન હતા કે અમે પહોચીએ ત્યારે ભાનમાં આવી અમારાથી આગળ થઇ જવા દોટ લગાવતા. એમ કરતા કરતા આખરે અમારો સંઘ ટોચ ઉપર પહોચ્યો ખરો. હવાની ઠંડી લહેરખી દોડી ગઈ. ઉપર પ્રમાણમાં સારી એવી હરિયાળી હતી. દુર નજર નાખીએ તો હૃદયગમ દ્રશ્ય નજરે પડતું હતું. સુદૂર સુધી હરિયાળી છવાયેલી દ્રષ્ટિગોચર થતી હતી, થોડે દુર પાણીથી ભરાયેલા તળાવો ગ્રીનરી વચ્ચે જાણે ભરતની ભાત જેમ ઝડાયેલા આભલાં જેવાં લાગતાં હતાં. રાણાવાવથી જામનગર તરફ પથરાયેલો રેલ્વે ટ્રેક કુદરતે રચેલી હરિયાળી વચ્ચે માણસે દોરેલી લીટી જેવો દીસતો હતો. ટોચ ઉપરના નાનકડા મેદાનમાં મોટા મોટા ગોળ પત્થરો ચારે તરફ વેરાયેલા પડ્યા હતા. મેદાનના ખૂણામાં એક સાદી મેડી જેવું ઠીક ઠીક ઊંચાઈવાળું શિખરરહિત મંદિર હતું. મેડીના તળિયાથી ટોચ સુધી અટકીને ઉભેલા એક ખુબ લાંબા અને આશ્વર્યજનક આખા પત્થર પર સિંદુર અને ઘી નો લેપ લગાડેલ હતો. બાજુમાં ઉભેલા બીજા બે ત્રણ નાના પત્થરો પર પણ એ જ રીતે લેપ લગાડેલો હતો.પોત પોતાની આસ્થા પ્રમાણે દર્શન-અર્શન કરી સૌ બાજુમાં પડેલા ગોળ પત્થરો પર જમાવી સાથે લાવેલ ચેવડાને ન્યાય આપવામાં લાગી ગયા. આપણી ધીરજ ખૂટી જાય પણ બૈરા લોકોનું ખાવાનું ઘડીકમાં ના ખૂટે. એમની એ પ્રક્રિયામાં થોડેક સુધી સાથ પુરાવી અમે નિવૃત્તિ જાહેર કરી અને આજુબાજુમાં ટહેલવા માટે નીકળી પડ્યા. એટલી જાજી જગ્યા પણ નહોતી કે વધારે દુર જઈ શકીએ. પેલી બાજુ મહિલા મંડળમાં ચેવડાની કવોન્ટિટી સામે એ લોકોની ભૂખ પસ્ત થઇ ચુકી હતી અને હવે બાકી બચેલા ચેવડાને આગળ જોઈ લેશું એવી ચીમકી સાથે મોઢું બાંધી કોથળીમાં ભંડારી દેવામાં આવ્યો. નીચે ઉતરતા તરત જ જમણી બાજુ જગ્યાના “બાપુ”ની નાનકડી મઢુલી હતી. પણ અમે ત્યાં જવાને બદલે સીધું ઉતરાણ ચાલુ કરી દીધું. આ વખતે આગળ એ લોકો હતા જે જતી વખતે સૌથી પાછળ રહેવા પામી જતા હતા. મને હમેશા ચઢાઈ કરતા ઉતરાઈ કઠીન લાગે છે એટલે હું પર્વતોમાં ઉતરાણ વખતે પાછળ રહી જતો હોઉં છું. બપોરના બે વાગવા આવ્યા હતા, ભૂખ પણ હવે કકડીને લાગી હતી. તળેટીથી બે કીલોમીટરના અંતરે આવેલ જામ્બુવંતના ભોંયરે જઈને જ જમીશું એવું નક્કી થયું. બે કિલોમીટરનું અંતર તો જાણે બે સેકન્ડમાં કપાઈ ગયું હોય એવું લાગ્યું. ભૂખ એવી લાગી હતી કે જમવા માટે સારા ઝાડનો છાંયો ગોતવા જેટલી પણ ધીરજ નહોતી એટલે ભોંયરાથી થોડે જ આગળ આવેલ વન ખાતાની કુટિરમાં જમી લેવાના દાણા નાખી જોયા, પણ મારું કઈ ના ચાલ્યું અને મંદિર પરિસરમાં કોઈ સારા ઝાડ નીચે બેસીને જ જમીશું એવું ફાઇનલ થતા ગેટ પાસે ગાડી ગોઠવી સામાન ઉતારવો શરુ કર્યો. આખરે પરિસરમાં એક ઝાડ નીચે ઓટલા ઉપર જમાવી સૌ સૌનું ભાથું ખોલવા માંડ્યા. ભરેલ રીંગણા અને  સેવ ટામેટાનું શાક, બાજરાના રોટલા અને છાશ સંભારોના મેનુને બધાએ આજે બરાબરનો ન્યાય આપ્યો, ડાબલા લુછી લીધા. જમીને બાળકો ફૂટબોલ રમવામાં મશગુલ થઈ ગયા. મહિલા વર્ગ બધો અંદર કેવમાં ચક્કર લગાવી આવ્યાને અમે મેદાનમાં આવેલ આમળાના ઝાડ પરથી થોડા આમળા ઉતારવા લાગ્યા. ગુફા વિષે અનેક કિવદંતીઓ છે પણ અત્યારે હું એમાં ઉતરવા નથી માંગતો. પણ પ્રકૃતિની આ અજાયબ રચના છે એમાં બેમત નથી. અંદર પગથીયાથી ઉતરી જમીનમાં કેટલેય દુર સુધી ગુફામાં જઈ શકાય છે. ગુફા એટલી લાંબી છે કે ૨-૩ જગ્યાએ વેન્ટીલેશન રાખવા પડ્યાં છે. અંદર ચૂનાનું પાણી ટપકવાથી કેટલીય જગ્યાએ શિવલિંગ જેવી રચના થઈ ગઈ છે. અંદર ગજબની ઠંડકનો અનુભવ થાય છે. હવે તો સરકારશ્રી અને સ્થાનિક સેવાભાવીઓ એ મળી આ જગ્યાનો સુંદર વિકાસ કર્યો છે. સમગ્ર પરિસરની વ્યવસ્થા ખુબ સુંદર જોવા મળી. પીવાનું ઠંડુ પાણી, આંગતુકો માટે ચા-પાણીની વ્યવસ્થા,સ્વચ્છતા, બાગ બગીચા અને ફળફળાદીના વૃક્ષોની વિપુલતા વગેરે બાબતો ઉડીને આંખે વળગે તેવી હતી. સ્ટેશન પ્લોટમાં રહેતા અને રોજ આ મંદિરે આવી પરિસરની દેખરેખમાં નિસ્વાર્થ ભાવે મદદ કરતા માલદેભાઈ ઓડેદરાને મળી ખુબ આનંદ થયો. આ ગુફાનું નવનિર્માણ થયું ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તેના ઉદ્ઘાટન માટે આવેલ અને એ કાર્યક્રમમાં સરકારી રાહે હું પણ ઉપસ્થિત હતો એટલે એ વખતના સાચવી રખાયેલા ફોટાનો આલ્બમ માલદેભાઈએ મને દેખાડ્યો. મેં એ ફોટાઓમાં મારી જાતને શોધવાનો પ્રયાસ કરી જોયો પણ નિષ્ફળતા સાંપડી.  સાંજ પડવા આવી હતી ને હવે મનમાં “ તુઝે ઘર બુલાતા હૈ” નું ગીત ગુંજવા લાગ્યું હતું. હાકલ પાડી એટલે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા ને હરખથી જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે આજની યાત્રાના સંતોષથી “દુનિયાનો છેડો ઘર” એ તરફ પ્રયાણ કર્યું.

 (c) - ગાંગાભાઇ સરમા (પોરબંદર)

 


Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. અદ્ભુત
    મને સૌથી વધુ ગમ્યું તે છે કે તમે વાર્તાને રસપ્રદ બનાવી છે પણ તમે તેને રમૂજી પણ બનાવી છે.
    લેખન ચાલુજ રાખજો ....

    ReplyDelete
  3. Bahu Maja aavi vachvani. Bahu mast lakhan che

    ReplyDelete
  4. લખાણ ની શૈલી રસપ્રદ છે, સાથે સાથે રમુજી પણ છે તેથી પ્રવાસ નિબંધ વાચકો અને ભાવકોને છેક સુધી જકડી શકે છે. લખતા રહેજો..🙏

    ReplyDelete
  5. Very good story uncle.... you give us interesting stories and makes us mind relaxation and amazement...... keep writing 👍👍

    ReplyDelete
  6. Fabulous story bhai, khubh saras 🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મારી લદાખ યાત્રા...

આમ તો ગોવા મારી ‘કલ્પના’નું ડ્રીમ ડેસ્ટીનેશન છે પરંતુ મિત્રો પાસેથી હિમાલયની વાતોથી ભ્રમિત થઇ ગયેલું મન ઘણા સમયથી લદાખ જવા સળવળતું   હતું. ઘરનો કબાટ ફેંદી ભારત દર્શન ચોપડી કાઢી લદાખના નકશાને મનઃસ્થ કર્યો. પોરબંદરથી દિલ્હી થઇ વાયા મનાલી થી લેહ.. આ થયો યાત્રાનો રૂટ. આમ તો આટલી લાંબી યાત્રા ટ્રેન વગર સંભવે નહિ. કામ વગરની એક સાંજે લેપટોપ લઇ બેસી ગયો. પોરબંદરથી દિલ્હીની રેલ અઠવાડિયામાં બે વખત ઉપડે છે. એમાં ૨૦મી ઓગસ્ટના  મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં ૩ AC નું કન્ફર્મ બુકિંગ મળતું હતું તો આઈઆરટીસીની વેબ સાઈટ ઉપર જઈ ટીકીટ કન્ફર્મ કરી લીધી. ટ્રેન બુકિંગ તો પતી ગયું પણ હવે જ સાચી ભાંગજડ હતી. હવે પછીની યાત્રા દિલ્હીથી મનાલી થઇ લેહ તરફ પ્રયાણ કરવાની હતી. દિલ્હીથી પછી આ રૂટમાં આગળ જવા રેલ સુવિધા નથી. એટલે દિલ્હીથી હિમાચલ ટુરીઝમની બસમાં મનાલી અને ત્યાં બે દિવસ રોકાઈ પછી બાઈક દ્વારા લેહ લદાખ જવાનું નિયત કર્યું. મનાલીથી લેહ જવા માટે સેલ્ફ ડ્રાઈવ કાર કે બાઈક બંને ભાડેથી પણ મળી રહે છે, પરંતુ મારી જેમ મોટાભાગના ઘુમક્કડો માટે આવા પ્રવાસોમાં બાઈક હમેંશા પ્રથમ પસંદગીનું ઓપ્શન હોય છે.             કોરોનાને લઇ યાત
  એપ્રિલફૂલ “કહું છું , સાંભળો છો ? આજે એપ્રિલની પહેલી તારીખ છે , જો જો કોઈ મૂરખ ના બનાવી જાય...!” ઓફિસે જતાં પહેલા શ્રીમતીજીએ તાકીદ કરી. જે આપણને મૂરખ સમજતું હોય એને માટે કોઈ બીજું આપણને મૂરખ બનાવી જાય તે ના પાલવે. સાંજ પડ્યે આખા ગામનું ફૂલેકું ફેરવીને ઘરે આવતા હોય એની ઘરવાળી માટે તો દુનિયાની સૌથી ‘ભોળી ’ વ્યક્તિ એમના ‘ઈ ’ જ હોય છે. ખેર , આમ છતાંયે શ્રીમતીજીની વાત વ્યાજબી હતી. મને તો આમેય લોકો એપ્રીલની પહેલી તારીખ સિવાય પણ વરસમાં અનેક વખત એપ્રિલફૂલ બનાવી જતા હોય છે.             ઓફિસે પહોચી નિર્ધાર કર્યો કે આજ તો કોઈની વાતમાં ફસાવું નથી. બાજુમાં બેઠેલા મિ. મહેતાને કહ્યું , “મહેતા , ધ્યાન રાખજે . આજે કોઈ એપ્રિલફૂલ ના બનાવી જાય.”             “શર્મા , બોસ તો તારું કહેતા’તા કે આજ તને બરાબરનો એપ્રિલફૂલ બનાવવાનો છે. તું કાલે ઓફિસેથી વહેલો નીકળી ગયો પછી બોસને કામ હતું એટલે અમને મોડે સુધી બેસાડ્યા હતા. તું આમેય ઘણા દિવસથી પ્રમોશનની રાહ જોઇને બેઠો છે તો બોસ કહે કાલે આપણે એને પ્રમોશનના હુકમનું બહાનું કરી બંધ કવરમાં એવું ‘એપ્રિલફૂલ” આપશું કે મિ. શર્મા બરાબરના પોપટ બની જશે. આ તો હજુ